ગુજરાતી સુવિચાર(Gujarati Suvichar) 08/09/2012
→• Time is the coin of your life. •←
It is the only coin you have, and only you can determine how it will be spent.
Be careful lest you let other people spend it for you. • • •
સમય એ તમારી જિંદગીનો સિક્કો છે. તમારી
પાસે માત્ર આ એક જ સિક્કો છે. બીજાઓ તે તમારા માટે વાપરી શકે એટલી કાળજી રાખજો. -કાર્લ સેન્ડબર્ગ • • •
સમય નું કેલિડોસ્કોપ -via મોહમ્મદ માંકડ
સમય તો દરેક વ્યક્તિના જીવન સાથે જોડાયેલ હોય છે. માણસ માત્રનું, બલકે જીવમાત્રનું જીવન સમય સાથે જોડાયેલું છે. જે માણસ પૈસા વિશે કશું જાણ્યા વિના એ વાપર્યા જ કરે - ઉડાવ્યા જ કરે એને એક વાર પસ્તાવાનો વારો આવે છે. જોકે ગયેલા પૈસા ફરી મળી શકે છે, ગયેલો સમય મળી શકતો નથી.• • •
ગઈ લક્ષ્મી પાછી ફરે, ગયાં વળે છે
વહાણ,ગયાં જોબન ન સાંપડે, ગયા ન આવે પ્રાણ.• • •
ગઈ જુવાની પાછી ફરી શકતી નથી, એ જ રીતે જીવ ગયા પછી એ પણ ફરી એ ખોળિયામાં પાછો આવતો નથી, કારણ કે એ બંને સમય સાથે જોડાયેલા છે. એટલે એના વિશે દરેકે જાણવું જોઈએ.વરસાદ કોઈ ખાસ વ્યક્તિ માટે જ વરસતો નથી. કશા જ ભેદભાવ વિના કુદરત વરસાદ વરસાવે છે, એ જ રીતે સમય દરેકને મળે છે. સમય એ કોઈ ખાસ વ્યક્તિની મૂડી નથી. એ મૂડી દરેકને મળે છે. વરસાદનો ઉપયોગ કેમ કરવો એ જે જાણે છે એ એના લાભ લઈ શકે છે. સમયનું પણ એવું જ છે. એટલે સમય વિશે દરેકે જાણવું જોઈએ.
સમય એક એવી મૂડી છે, જે સૌથી કીમતી હોવા છતાં માણસ એને સંઘરી શકતો નથી. અને એ મૂડી માણસ વાપરે કે ન વાપરે,
સતત વપરાયા જ કરે છે. આવી આ મૂડીને વેડફી નાખનાર પાછળથી પસ્તાય છે. કવિ કલાપી કહે છેઃ• • •
હા! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.
પરંતુ, ગયેલા સમય માટે પસ્તાવો કરવાથી પુણ્યશાળી થવાતું હોય તોપણ એ સમય પાછો મળી શકતો નથી.• • •
સમયની એક વિચિત્રતા છે. એ દરેકને સરખો મળે છે છતાં બીજાની રાહ જોનારને એ સમય લાંબો લાગે છે. એ જ રીતે જેના ઉપર દુઃખ આવી પડયું હોય એને પણ એ લાંબો લાગે છે. દુશ્મનથી કે જંગલી જાનવરથી છૂટવા માટે દોડનારને તો એ ખૂબ જ લાંબો લાગે છે, પરંતુ છૂપી મુલાકાત કરનાર પ્રેમીઓને સમય જલદી પસાર થઈ ગયો હોય એમ લાગે છે. આનંદ રાત્રી જલદી પૂરી થઈ જાય છે, પરંતુ ત્યાર પછીનો દિવસ બહુ જ લાંબો લાગે છે. 'હવે કાલે મળીશું' એમ કહીને પરોઢિયે છૂટા પડનાર પ્રેમીઓને એ કાલ વચ્ચે આવતો દિવસ જાણે એકાદ મહિનાનો હોય એમ લાગે છે. સમય દરેક વ્યક્તિ માટે સાપેક્ષ છે.• • •
કોઈએ કહ્યું છે કેઃ એક વરસની કિંમત જાણવા માટે આખું વરસ મહેનત કરનારને જોઈતી સફળતા ન મળે અને પોતાનું
વરસ વેડફાઈ ગયું હોય એમ લાગે એ વિદ્યાર્થીનો વિચાર કરો. એને ચોક્કસ એમ થશે કે થોડી વધુ મહેનત કરી હોત તો વરસ બચી ગયું હોત.• • •
મહિનાની કિંમત સમજવા માટે માસિક પત્રના તંત્રીને અને સપ્તાહની કિંમત જાણવા માટે સાપ્તાહિકના તંત્રીને મળો.
મિનિટની કિંમત જાણવી હોય તો ટ્રેન ચૂકી જનાર વ્યક્તિને અને સેકન્ડની કિંમત જાણવી હોય તો અકસ્માતમાંથી ઊગરી જનારને મળો.
એટલે જે અત્યારે મળેલ મિનિટ આવતી કાલની મિનિટ, બલકે કલાક કરતાં પણ વધુ ઉપયોગી છે એને વેડફી ન નાખશો.• • •
સમય તમારો સાચો સાથીદાર છે, સાચો મિત્ર છે. સગાંવહાલાં અને મિત્રો તમારો સાથ છોડી જશે, પરંતુ સમય ક્યારેય તમારો સાથ નહીં છોડે. જ્યાં સુધી જીવો ત્યાં સુધી સમય તમારી સાથે છે. ગમે તેવા દુઃખમાં પણ એ તમને છોડી નહીં જાય એટલે નિરાશ ન થશો. ગયેલાં ધન દોલત કે સમય માટે અફસોસ કરવાના બદલે જે છે તેનો ઉપયોગ કરો. આપણી એક કહેવત યાદ રાખજોઃ 'દુઃખનું ઓસડ દહાડા' ગમે તેવું દુઃખ સમય જતાં ઓછું થઈ જાય છે. ગમે તેવું સંકટ પણ એક દિવસ પૂરું થઈ જાય છે. અબ્રાહમ લિંકને પોતાના ટેબલ ઉપર એક તકતી રાખી હતીઃ This day also will pass. લિંકન જેવા કપરા સમયમાંથી બહુ ઓછી વ્યક્તિને પસાર થવું પડે છે.• • •
એ જ રીતે નેપોલિયને રશિયા ઉપર ચઢાઈ કરી ત્યારે રશિયાના સૈન્યનો સરસેનાપતિ ફુતુઝોફૂ હતો. ટોલ્સ્ટોયે એની મહાનવલ'યુદ્ધ અને શાંતિ' માં લખ્યું છે કે બધા જ્યારે હિંમત હારી ગયા હતા, ખુદ શહેનશાહ એના ઉપર નારાજ થઈ ગયા હતા ત્યારે પણ પીછેહઠ કરીને મોસ્કો દુશ્મનને હવાલે ન કરનાર ફુતુઝોફૂ કહેતોઃ 'ધીરજ અને સમય,' એના સાથીદાર છે. એ કહેતો દુશ્મનના સૈનિકોને મુડદાલ (મરેલા) ઘોડાનું માંસ ખાતાં કરી દઈશ અને ખરેખર શિયાળો આવતાં નેપોલિયનના સૈનિકોને પીછેહઠ કરવી પડી. સદા વિજયી નેપોલિયન બોનાપાર્ટ માંડ માંડ ફ્રાંસ પહોંચ્યો - રશિયાની ચઢાઈ એને ખૂબ મોંઘી પડી. રશિયા છોડતાં પહેલાં લગભગ પાંચ લાખ સૈનિકો મૃત્યુ પામ્યા. યુરોપને ધુ્રજાવનારા એના લશ્કરની બહુ બૂરી વલે થઈ. મહાન નેપોલિયન હારી ગયો એમ કહીએ તો ચાલે.• • •
સમય નહીં ધારેલાં પરિણામો લાવી શકે છે. સમય ક્રાંતિ સર્જે છે. સમયના પલટાને સમજવા બહુ મુશ્કેલ હોય છે. છતાં સમયનું આયોજન (planning) કરવું જોઈએ, પરંતુ આયોજન કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે બહુ ચુસ્ત આયોજન ન કરવું. સામે આવેલ સમય પ્રમાણે એમાં અનુકૂળ ફેરફારો કરતા રહેવા.• • •
બીજી એક જરૂરી વાત સમયનું આયોજન કરતી વખતે તમારા પોતાના માટે - એકાંત માટે - ખાસ સમય રાખશો. એ સમય તમને ખૂબ જ ઉપયોગી થશે.
સમયના આયોજન વિશે ઘણું લખી શકાય એમ છે, પરંતુ આ નાનકડા લેખમાં એ વિશે વધુ લખવાનો ઉપક્રમ નથી. ક્યારેક એક પૂરો લેખ એ બાબતમાં લખવાની ઇચ્છા છે.
જગતની કેટલીક વિખ્યાત વ્યક્તિઓના સમય વિશેના થોડા વિચારો જોઈએ.
માર્ક્સ ઓરેલિયસ રોમન શહેનશાહ હતો, પરંતુ એ શહેનશાહ કરતાં વિચારક તરીકે વધુ ઓળખાય છે. એણે લખેલ 'મેડિટેશન્સ' આજે સાડા આઠસો, નવસો વર્ષ પછી પણ વંચાય છે, તેનું અવતરણ છેઃ• • •
અત્યારની ક્ષણ એ અનંતતાને જોવા માટેનું નાનકડું છીદ્ર છે.
- માર્ક્સ ઓરેલિયસ
માણસો કહે છે અમુક પ્રવૃત્તિ 'જસ્ટ ટુ કિલ ધ ટાઈમ' - માત્ર સમય પસાર કરવા માટે કરે છે, પરંતુ ખરેખર તો 'ટાઈમ કિલ્સ ધેમ' પસાર થયેલો સમય એમને જ ખતમ કરતો હોય છે.• • •
મને કોઈ પૂછે નહીં તો સમય શું છે એ હું સમજું છું, પરંતુ જો મને કોઈ એના વિશે સમજાવવાનું કહે તો હું કહીશ કે સમજાવી શકું તેમ નથી.• • •
- સંત ઓગસ્ટાઈન
તમે મિનિટની સંભાળ રાખો, કલાક પોતાની સંભાળ પોતાની મેળે જ રાખશે.
- લોર્ડ ચેસ્ટરફીલ્ડ
સમય સૌથી મોટો ડોક્ટર છે.
- બેન્જામિન ડિઝરાયેલી
સમય સૌથી કીમતી ધન છે.
- બેન્જામિન ફ્રેંકલિન
સમય (સારું-બૂરું) બધું જ ગળી જાય છે.
- ઓવિડ, વિખ્યાત રોમન કવિ.
સમય છે... સમય હતો... સમય પસાર થઈ ગયો.
- રોબર્ટ ગ્રીન• • •
No comments:
Post a Comment